Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Tuesday, 21 January 2014

    Negative Programming...


    થોડા સમય પહેલાં એક ઇમેઇલમાં પાંચ દેડકાની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી.
     
    એકવાર પાંચ દેડકાઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેનાં પર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા, તે દેડકો જીતે. બીજા દેવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. આ વાત જંગલમાં ફેલાઇ ગઇ કે દેડકાઓ અંદરો અંદર આવતીકાલે એક હરીફાઇનું આયોજન કરે છે. બધા પ્રાણીઓમાં જબરૂ કુતુહલ થયું અને સૌએ નક્કી કર્યું કે આ હરીફાઇ જોવા જવી. બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવાર સવારમાં આ અનોખી હરીફાઇ જોવા માટે આવવા માંડ્યા.
     
    સસલાએ સીટી મારી અને હરીફાઇ શરૂ થઇ. પાંચેય દેડકાં કુદકા મારતાં આગળ વધવા લાગ્યા. શિયાળ, હાથી, સિંહ અને બીજા બધાં પ્રાણીઓને આ તમાશો જોઇને ખુબ હસવું આવતું હતું. એક નાનકડો એવો જીવ દેડકો આજે હરીફાઇમાં ઉતર્યો અને એ પણ દેડકાઓ સાથે જ. ખુબ હાસ્યાસ્પદ આખી ઘટના હતી. અન્ય પ્રાણીઓનું ટોળું બધા દેડકાઓની પાછળ અને આસપાસ સાથે દોડી રહ્યું હતું અને દેડકાઓને સમજાવતું હતું કે ‘તમે દેડકાઓ છો, તમે આટલાં ઊંચા પર્વત પર ચડી નહીં શકો. નાહકનાં જીવ ગુમાવશો અથવા હેરાન થશો, માટે આ હરીફાઇ માંડી વાળો.” છતાં દેડકાંઓ આ સાંભળ્યું ન સાંભળ્યું કરતાં દોડતાં જ રહ્યા. ત્યાં ફરી પાછું કોઇક પ્રાણી બોલ્યું, “અલ્યા, દોડવાનું રહેવા દો…. અટકી જાઓ, હજુ સમય છે. દોડે રાખશો તો મરી જાશો. સમજો.” આ સાંભળીને એક દેડકો જે થાકવા માંડ્યો હતો તે અટકી ગયો.
     
    આ જોઇને હરણ બોલ્યું, “હાં, તમારા સૌમાં આ દેડકો સમજદાર નીકળ્યો. દોડતો અટકી ગયો, એટલે હવે બચી જશે. તમે દેડકાની જાત. આટલો ઊંચો પર્વત ચડવાનું તમારૂં કામ નહીં. જુઓ આ તો સમજી ગયો, તમે પણ સમજો તો સારૂં.” આટલું સાંભળતા બાકીનાં બીજા બે દેડકાં પણ દોડતાં અટકી ગયાં.
     
            આટલું થયું ત્યાં તો બીજા પ્રાણીઓ બાકી રહેલાં બંને દેડકાઓને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, કે “જુઓ તમારા ભાઇઓ તો સમજીને અટકી ગયા. હવે તમે બંને પણ આ હરીફાઇને અટકાવી દો. તો જીવતા રહેશો. બાકી આજે તમારૂં મોત નક્કી છે. સમજો તો સારૂં. તમારા સારા માટે સમજાવીએ છીએ.” આટલું હજું બોલી રહ્યા. ત્યાં મહામહેનતે ચડી રહેલાં બંને દેડકામાંનો એક દેડકો ત્યાં જ મૃત્યુ પામ્યો. આ જોતાં તમામ પ્રાણીઓ એકી અવાજે બાકી રહેલાં છેલ્લા દેડકાંને સમજાવવા લાગ્યા કે “ભાઇ, હવે બસ કર. આ જો તારો એક ભાઇ તો મૃત્યુ પામ્યો. તું શા માટે ને જીવ ગુમાવવા માંગે છે. હવે થોભી જા, અને બસ કર. તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી પહોંચી શક્યું…” પણ એ દેડકો તો બસ દોડતો જ રહ્યો. આ જોઇને બધા પ્રાણીઓએ છેવટે એ દેડકાની મજાક કરવાનું શરૂ કર્યું, કે “ભલે ને ચડતો, જો જો ને હમણાં મરી જશે!, હમણાં નીચે પડશે.”
     
            પણ દેડકો ચડતો રહ્યો અને આખરે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો. આ જોઇને જંગલનાં તમામ પ્રાણીઓ ચુપ થઇ ગયા. જંગલમાં એ દેડકાનો જયજયકાર થયો. તમામ પ્રાણીઓ દંગ થઇ ગયા. સૌનાં મનમાં એક જ સવાલ, કે “આ ઉપર સુધી પહોંચી કઇ રીતે શક્યો?” આ સવાલનો જવાબ મેળવવા જંગલનાં સૌ પ્રાણીઓએ નક્કી કર્યું કે એ વિજેતા થયેલ દેડકાનું મેડીકલ ચેકઅપ કરાવવું.
     
    જ્યારે એ દેડકાનું ચેકઅપ કરાવવામાં આવ્યું, તો નિદાન થયું કે એ દેડકો તો બહેરો છે!
    આ આખી વાર્તા પરથી આપણને આપણાં કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છે. દેડકાને ખબર જ નહોતી કે મને કોઇ રોકી રહ્યું છે. એને નિરાશ કરે કે નાસીપાસ કરે એવા શબ્દો સંભળાયા જ નહોતા. માટે એની પાસે એ વાતો પર વિચાર કરવાનો સવાલ જ નહોતો. એટલે જ એને હારી જવાનો કે નાસીપાસ થવાનો ડર નહોતો. એતો બસ એનાં લક્ષ્ય તરફ નજર કરીને આગેકુચ કરે જતો હતો અને છેવટે ધારેલી મંજીલ મેળવીને જ જંપ્યો. દેડકાનું નેગેટિવ પ્રોગ્રામીંગ કરવાનાં ત્યાં હાજર રહેલ તમામ પ્રાણીઓ દ્વારા થયેલ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. કારણકે દેડકા સુધી એ કંઇ પહોંચી જ શક્યું નહીં. માટે તેનાંમાં નિરાશાનાં કે નાસીપાસ થવાનાં ભાવો ઊભા જ ન થયા.
     
    તો વાચકરાજા, તમને પણ તમારી આસપાસનાં લોકોનાં અવાજો સંભળાશે, કે “હમણાં મંદી છે, સાહસ ન કર. તારાથી ધંધો, બિઝનેસ ન થઇ શકે. આપણે રહ્યા મીડલ ક્લાસ માણસો. આપણી સાત કે સીત્તેર પેઢીમાં કોઇએ ધંધો નથી કર્યો કે આવડું મોટું સાહસ નથી કર્યું. છોડ એ આપણું કે તારૂં કામ નહીં.” વગેરે વગેરે પ્રકારે અને પ્રયાસે આપણાં જ કહેવાનાં, સગા, વહાલા, મિત્રો, સંબંધીઓ આપણું સતત નેગેટીવ પ્રોગ્રામિંગ કરતાં જ રહે છે.
     
    એક ઉદાહરણ આપું. આપણા સમાજમાં એક પ્રથા પ્રચલિત છે. કોઇ બિમાર હોય તો તેનાં ખબરઅંતર પુછવા જવું. હવે ઘણીવાર આવા ખબરીઓ જ પેલા જે બિમાર પડેલા હોય એની ખબર લઇ નાખતા હોય છે, એને વધુ બિમાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. કેવી રીતે ખબર કાઢે? જુઓ. “ઓહો હો! જીજ્ઞેશભાઇ, બાપલા ભારે કરી હો. આટલી નાની ઉંમરમાં તે કાંઇ હાર્ટ એટેકનો ‘હુમલો’ કંઇ હોય. ભારે કરી દોસ્ત. હવે તો બહુ ધ્યાન રાખજો.  કેમ કે પહેલાં જે હુમલા થતાં એમાં તો હેટ્રીક થતી પછી વિકેટ પડતી, પણ હવે તો પહેલાં જ બોલે ઘણીવાર વિકેટ ઉડી જાય. તો ભાઇ, જરા ખાવા પીવામાં ધ્યાન રાખજે. મારા એક મિત્રને પણ તારી જેમ જ પહેલો જ એટેક આવ્યો ને થોડા દિવસોમાં તો દિવાલ પર ફોટામાં ગોઠવાઇ ગયો, હાર સાથે.” હવે આવા લોકો ખબર કાઢવા આવે અને આવું ડેન્જરસ્લી નેગેટિવ પ્રોગ્રામિંગ કરે અને પાછું એ જો જીજ્ઞેશભાઇ સાંભળે પછી શું થાય એ સમજી શકાય એવું છે.
     
            તો શું કરશો આવા વખતે? કારણ  કે આપણે તો પેલાં દેડકાની જેમ બહેરા નથી! આપણને તો સંભળાય છે, બરાબર સંભળાય છે. ખરૂં ને? માટે જ આ પ્રોગ્રામિંગ આપણાં પર ધારી અસર કરે છે, દોસ્તો! તો શું આનો કોઇ ઉપાય છે?
     
            હાં મિત્રો! આનો ઉપાય છે અને બહુ સરળ છે. ઉપાય છે, કે હું શું સાંભળી રહ્યો છું તેનાં પર હંમેશા ધ્યાન રાખવું. જેવું કોઇ આ પ્રકારનું નેગેટીવ પ્રોગ્રામિંગ કરવાનું શરૂ કરે, એટલે તરત જ બહેરાશ ધારણ કરી લેવાની. આથી, પરિણામ એ આવશે કે તમને એ શબ્દો સંભળાતા હોવા છતાં સંભળાતા નહીં હોય અને માટે એ તમને અસર પહોંચાડી નહીં શકે. બસ આટલા એક્ટિવ રહેશો, તો કોઇ તમને ક્યારેય નુકસાન નહીં પહોંચાડી શકે.

    Monday, 13 January 2014

    આવી રહ્યું છે વાળો તેમ વળે તેવું ટીવી

    ઘરમાં જ થિયેટરની મજા માણી શકાય એવું ટીવી જો મળી જાય અને એ ટીવી જોવા તેને મરજી મુજબ ગમે તેમ વાળી શકાય તો? સેમસંગ કંપની દ્વારા આવુ જ એક ટીવી લોન્ચ કરવામાં આવ્યું છે. આઈમેક્સ નામના સુપર સ્લિમ ટીવીને ઘરના ડાયમેન્શનના આધારે ગમે તે રીતે વાળી શકાશે. અને એ પણ ફક્ત એક રિમોટ કન્ટ્રોલના ઉપયોગથી. 
            આ પ્રકારની સિસ્ટમથી ટીવીને ઘરના ગમે તે ખુણામાં સારી રીતે સેટ કરી શકાશે. જેથી દર્શકો દરેક એન્ગલથી ટીવી જોવાની મજા માણી શકે. ફ્લેક્સિબલ ટીવી 77 ઈંચથી માંડીને 110 ઈંચ સુધીમાં મળી રહેશે. જો કે હજુ સુધી તેની કિંમત નથી આંકવામાં આવી. પરંતુ 85 ઈંચના ટીવીને 35 હજાર પાઉન્ડ (અંદાજે 30થી 35 લાખ રૂપિયા)માં ખરીદી શકાશે. આ ટીવી પર સૌ પ્રથમ બ્રાઝિલમાં યોજાનારા વર્લ્ડ કપનું સ્કિનિંગ કરવામાં આવશે. સેમસંગ ટીવીના લોન્ચ થયા બાદ એલજીએ પણ 77 ઈંચના ફ્લેક્સિબલ ટીવીની જાહેરાત કરી દીધી છે.

    Thursday, 5 December 2013

    દેહ અને આત્મા


    એક વખત કાવિઠા ગામની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્રજી પાસે બોધ સાંભળવા આવ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્રજીએ તેઓને પૂછ્યું, ”છોકરાઓ, એક પ્રશ્ન પૂછું તેનો જવાબ આપશો?”
    છોકરાએ કહ્યું, ”હા જી”
    શ્રીમદ્જી બોલ્યા, ”તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય; અને તમને માર્ગે જતાં કોઇનો ધક્કો વાગે તો તે વખતે તમે કયા હાથના લોટાને જાળવશો?” ગિરધર નામના છોકરાએ જવાબ આપ્યો, ”ઘીનો લોટો સાચવીશું.” શ્રીમદ્જીએ પૂછ્યું, ”કેમ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે ને?” છોકરો કહે, ”છાશ ઢળી જાય તો ઘણાયે  ફેરા કોઇ ભરી આપે; પણ ઘીનો લોટો કોઇ ભરી આપે નહીં.”
    આ વાતનો સાર સમજાવતા શ્રીમદ્ રાજચંદ્રજી બોલ્યા ”છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે, એવી અવળી સમસ્યાવાળો આ જીવ છે.
    પણ જો આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે; અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે. કારણ કે દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૃપે દેહ તો મફતનો જ મળવાનો છે.”

    Wednesday, 6 November 2013

    શિવાલયનું તત્વરહસ્ય

      
                           પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્મ ભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્‍ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્યમ આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ..
    શિવનો અર્થ છેઃ કલ્યાણ..તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો..તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે.શરીર નંદીની જેમ આત્માભિમુખ બને..શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ..સ્થિર તથા દ્રઢ રહીએ..એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
    નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્મે શરીરનું એટલે કેઃમનનું માર્ગદર્શન કરે છે.અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ.જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે..આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે,એટલે કેઃ મનની ગતિ..વિચારોનો પ્રવાહ..ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે.કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે.અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે..ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે..શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..
    નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે.ગણેશ અને હનુમાન..ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કેઃકલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે.ગણેશનો આદર્શ છેઃબુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો..એ જ એમનો સિધ્ધાંત છે તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે.જેમકેઃ અંકુશ- સંયમ..આત્મ નિયંત્રણનું..કમળઃ-એ પવિત્રતા,નિર્લે૫તાનું..પુસ્તકઃ- એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા મોદક(લાડું) – એ મધુર સ્વભાવનું પ્રતિક છે.શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે.આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.હનુમાનજીનો આદર્શ છેઃ વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે..અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્તન થાય છે.ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્તિ થાય છે,પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્તજ થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કેઃ હું મોટો છું..શ્રેષ્ઠં છું. આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે..આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે,એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે.મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ(૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે..તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્મી જગત બહાર જ છુટી જાય છે,ત્યાર પછી પોતાનામાં કારણ જગતની..આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે..તે અવર્ણનીય છે..શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.
    શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત..મહાન..સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી..તપસ્વી..અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.ભસ્મ ચિત્તાભસ્મલે૫,આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે.કાળો નાગ-કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.
    ત્રિદલ..બિલિપત્ર..ત્રણ નેત્ર..ત્રિપુંડ..ત્રિશૂલ..વગેરે સત્વગુણ,રજોગુણ અને તમોગુણ – આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે.ત્રિકાય..ત્રિલોક..ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે.આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.આ સ્થાનમાં ત્રિકુટી..સહસ્ત્રચક્ર..સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ..બ્રહ્મ કલશ..આજ્ઞા ચક્ર..શિવ પાર્વતી યોગ – જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્તિતની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે.વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્યર દર્શન..અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે,તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે.ત્રિદેવ એટલે બ્રહ્મા-વિષ્ણું્-મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છેઃઅ-ઉ-મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર ૐ માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.
    વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ..શંખ.. ઘંટ..ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કેઃ આત્મસ્થ રહેવું..બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે..તે જ્ઞાન ગંગા છે.સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી..ગાયત્રી અથવા ત્રિકાળ સંન્ધ્યા.. જેની બ્રહ્મા-વિષ્ણુંવ-મહેશ ઉપાસના કરે છે.
    શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે.આમાં સંકેત એ છે કેઃએવા કલ્યાણમય..શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે.પ્રેરણા-સહયોગિની છે.
    શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્યાનું પ્રતિક છે.શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ..ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્ય્ની તરફ જ ગતિ કરે છે,તેનું લક્ષ્યક ધ્રુવની જેમ અવિચલ રહે છે.કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે..તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ..ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ.જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે.શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ. આમ,શિવાલય સ્થિત આ પ્રતિકો..ચિન્હોના તત્વ રહસ્યનું ચિન્તન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારાં દર્શન પૂજન ઉપાસના..વગેરેની યથાર્થ સાર્થકતા છે.

    દુઃખનાં કારણો – મોરારિબાપુ

    માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.
    મારે ત્રણ વાત કહેવી છે.
    [1] આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય દુઃખી થઈએ છીએ. એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ.
    [2] બીજું, લોભ પ્રકૃતિ. લોભને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ.
    [3] જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ.
    આવું જીવો. પછી ભલેને દુનિયા તમને થ્રી ઈડિયટ કહે ! એની ચિંતા કરશો નહીં, અમુક દુઃખો આપણે જ ઉપજાવ્યા છે. પરમતત્વ પૂરેપૂરો આપણાં હૃદયમાં બિરાજમાન હોય છતાંય આપણે દુઃખી કેમ છીએ એ જેને સમજાય તેના હાથમાં સુખી થવાની કુંચી આવી જાય અને દુઃખી થવું મુશ્કેલ થઈ જાય. થોડી મૂઢતા ને અહંકાર મૂકીએ તો આપણાં જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેકથી સવળી કરવાના પ્રયત્નો કરો તો દુઃખી થવું અઘરું છે. જો કે સુખી થવાની સમજણ મેળવતા પહેલા દુઃખનાં કારણો સમજી લેવા પડશે. જીવ દુઃખી કેમ છે ? એ બહુ મોટો પ્રશ્ન છે. જીવતાં આવડે તો દુઃખી થવું અઘરું છે, સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે પરંતુ આપણે દુઃખી થઈએ છીએ એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

    [1] કાળ :
    ઘણીવાર કાળ આપણને દુઃખ આપે; જેમ કે શિયાળામાં બહુ ઠંડી પડે. માણસ કાળ પરિવર્તન કરી શકતો નથી. પણ જીવન પદ્ધતિમાં પરિવર્તન કરી શકે છે. બહુ ઠંડી પડે તો ધાબળો ઓઢો અને ગરમી હોય તો એનો ઉપાય કરાય. પણ સ્વભાવ માણસને દુઃખી કરે છે. આપણા દુઃખનું એક કારણ તો કાળ છે. ભગવાન કૃષ્ણે એને દુઃખાલય કહી દીધું. આ દુઃખનું આલય છે, આમાં તમે ગમે તેટલા ફાંફા મારો, દુઃખ જ રહેવાનું. કાળથી દુઃખ આવે, ધરતીકંપ થાય ને દુઃખ આવે, એમાં આપણે શું કરવાનું ? પંખાનું બટન ફેરવ્યું ને ધરતીકંપ થયો એવું થોડું છે ? કાળજનિત દુઃખ છે. અતિવૃષ્ટિ થઈ, કાળજનિત દુઃખ છે. અનાવૃષ્ટિ થઈ, કાળ દ્વારા કોઈ રોગ એક સાથે ફેલાઈ જાય, આખી દુનિયામાં દુકાળ પડે, એ બધું કાળ આધારિત છે. એમાં આપણું કંઈ ન ચાલે, તો આવા કાળ આધારિત દુઃખ માટે માણસે અફસોસ નહિ કરવો જોઈએ. હરિ ભજતાં ભજતાં એને સહીએ. એના માટે એમ કહીએ કે આમ કેમ ? એ ખોટી અજ્ઞાનતા છે.
    [2] કર્મ :
    બીજું દુઃખ કર્મ આધારે છે. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. હવે કેટલાંક કર્મો એવાં છે કે આપણને યાદ હોય કે આ જન્મમાં આવાં કોઈ કર્મો કર્યાં નથી, છતાંયે દુઃખ મળે, તો એનો અર્થ એ છે કે જન્મજન્મનાં કર્મો પડ્યાં છે, એનું ફળ આવે છે, એમાંયે આપણું કંઈ ચાલે એમ નથી, કોઈ કર્મના ફળ હશે એ ભોગવીએ છીએ.
    [3] ગુણ :
    દુઃખનું ત્રીજું કારણ છે ગુણ – જે વસ્તુની બનાવટ જ ભેળસેળવાળી હોય, એ વસ્તુ સુખ આપી શકે નહિ. ‘बिधि प्रपंच गुन अवगुन साना’ (1-6/4) સાના એટલે માટીમાં જે પાણી ભળી જાય, પછી એના પિંડામાંથી માટલું બનાવો, જે ઘાટ ઘડવો હોય તે ઘડાય. જેમ માટી અને પાણી ભળી શકે, સાનાનો અર્થ થાય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. આ બ્રહ્માની સૃષ્ટિ જ ભેળસેળવાળી છે અને મૂળમાંથી જ જે ભેળસેળ હોય, એ આપણને સુખ શું આપી શકે ? ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય. આ મૂળ ધાતુ જન્ય ગુણ છે. ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે. સત, રજો અને તમો આ ત્રણ મૂળ ધાતુ ગુણ છે. સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમોગુણ યોગ્ય છે, પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમોગુણ યોગ્ય નથી. રજોગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજોગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજોગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે. પૂજાપાઠ સમયે સતોગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજોગુણ કે તમોગુણ આવે તો તે યોગ્ય નથી. આમ રજો, તમો અને સતગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે પરંતુ ભેળસેળ થાય એમાંથી દુઃખ જન્મે.
    [4] સ્વભાવ :
    દુઃખનું જે ચોથું કારણ છે, તે આપણા કાબૂની વસ્તુ છે. અને આપણે એમાં ફેરફાર કરી શકીએ. તુલસીદાસજી દુઃખનું ચોથું કારણ કહે છે સ્વભાવ. સ્વભાવ દ્વારા જે દુઃખ ઊભું થાય, એ આપણા હાથની વાત છે. એમાં આપણે ફેરફાર કરી શકીએ. ઘણાં માણસો એવા હોય છે કે દુઃખ હોય તોયે સ્વભાવને લીધે સુખ બનાવી દે. ઘણાં એવા હોય કે બધી રીતે સુખ હોય, પણ સ્વભાવને લીધે દુઃખ બનાવી દે. એને તમે શું કરો ? બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, કોઈ રીતનું દુઃખ ન હોય તોયે બબડતાં હોય કે….મરી ગયાં… આમ થઈ ગયું… તેમ થઈ ગયું…. તો હવે આવા દુઃખનો જવાબદાર તો એ જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહિ. સ્વભાવગત છે. આમાં કોઈ દેશ, ભાષા, સંપ્રદાય ન કારણ બની શકે, પણ સ્વભાવ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, એ આપણા કાબૂની વાત છે. ઘણાં માણસો દુઃખી હોઈ, એકલા હોય તો વાંધો નહિ. આપણી સાથે રહી આપણા પર ઢોળી નાંખે, દુઃખ વહેંચતો જાય. આ સ્વભાવનું કારણ છે.
    [5] પ્રભાવ :
    બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુઃખ જન્મે છે. બીજાના પ્રભાવનું આપણને દુઃખ હોય છે અને એમાંય સમક્ષેત્રમાં તો બહુ જ. એક ગાયક હોય ને, બીજો પણ ગાયક હોય. એમાં એક ગાયક કરતાં બીજા ગાયકનો પ્રભાવ શ્રોતાવર્ગ ઉપર વધારે થાય તો પેલાને દુઃખ થાય. બીજાનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં દુઃખ જન્માવે. આ માણસ આટલો પ્રભાવશાળી ? આ માણસ આટલો મહિમાવંત ? જ્યાં જાય ત્યાં એનો પ્રભાવ પડે. ગમે ત્યાં જાય એનો હોકો પડે એ આપણાંથી સહન નથી થતું. આ દુનિયા બહુ સમજુ છે. મેં જોયું છે ઘણી વખત દીકરાનો પ્રભાવ બાપાથી સહન નથી થતો કે મારો દીકરો આટલો મહાન થયો. એનો પોતાનો બાપ સહન નથી કરી શકતો. પતિનો પ્રભાવ પત્ની સહન ન કરી શકે કે પતિની જ વાહ વાહ થાય એ પત્નીથી સહન ન થાય. કોઈક ઘરમાં પત્નીનો એટલો બધો પ્રભાવ હોય તો પતિ સહન ન કરી શકે. બીજાનો પ્રભાવ જોઈને થતી જલન, દ્વેષ, ઈર્ષ્યા એ આપણા દુઃખનું કારણ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. ઘર, કુટુંબ, સમાજ, વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં વ્યક્તિ બીજાનો પ્રભાવ સહન કરી શકતો નથી. કોઈની સહેજ પ્રશંસા થાય કે ઈર્ષાથી સળગી ઊઠે. આમ, પ્રભાવ સહન ન થવો તે આપણાં દુઃખનું કારણ બને છે.
    [6] અભાવ :
    દુઃખનું અન્ય એક કારણ છે અભાવ. અમારી પાસે આ વસ્તુ નથી. કપડાં નથી, રોટી નથી, મકાન નથી, ઉત્સવ હોય ત્યારે અમે ફરી શકતાં નથી. અમે અમારા છોકરાંને બરાબર ભણાવી શકતાં નથી. કોઈ બીમાર પડે તો દવા, અમુક વસ્તુઓનો અભાવ એ દુઃખનું કારણ છે. એની પાસે છે એટલું અમારી પાસે હોત તો અમે આમ કરત, તેમ કરત. અભાવ, પણ મારી દષ્ટિએ બધા પ્રાથમિક સૂત્રો છે. બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે. અભાવ દુઃખ આપે. સમયનો અભાવ દુઃખ આપે, પૈસાનો અભાવ દુઃખ આપે, કોઈ પણ અભાવ દુઃખ આપે.
    [7] નિભાવ :
    નિભાવ પણ દુઃખનું એક કારણ છે. નિભાવ નથી થતો. અમે આટલી ભલાઈ કરીએ છીએ પણ અમારી ભલાઈની કોઈ અસર થતી નથી. સમયનો નિભાવ થતો નથી, સંબંધનો નિર્વાહ નથી થતો. અમે આટલો સંબંધ રાખ્યો પણ સામાવાળા બસ સંબંધને નિભાવતા જ નથી. આ નિભાવમાંથી દુઃખ જન્મે. નિભાવ નથી થતો. પતિ-પત્ની, ભાઈ-ભાઈ આ બધા વચ્ચે જેટલાં દ્વંદ્વો દેખાય છે તેનું કારણ છે નિભાવ. લોકો કહે ભાઈ અમારે ઘણું કરવું પણ સમય નથી મળતો, સમય નિભાવી શકતાં નથી, સંસ્કારોનો નિર્વાહ કરી શકતાં નથી.
    [8] કામના :
    ઈચ્છાઓનાં અનંતપણાથી દુઃખોનો જન્મ થાય છે. ઈચ્છા સદા સગર્ભા હોય છે. યોગીઓમાં પણ ઈચ્છા હોય છે, પણ તેનું સર્ગભાપણું દૂર કરી તેનો ગર્ભપાત કરાવી નાખે છે. ઈચ્છામુક્ત થઈ જાય છે. નિરપેક્ષ અને અનપેક્ષ થઈ જાય છે. બાકી ઈચ્છા તો દુઃખને જ જન્મ આપે છે. ખરેખર, જેટલી ઈચ્છા વધારે કરો, પછી રામ વનવાસ જઈને જ રહેશે. સુખ મેળવવાની ચાહના જ દુઃખ આપે છે. સુખ મેળવવા માટે જ દુઃખ પેદા થાય છે. સુખના પ્રયત્નો કરવા જતાં જ દુઃખ આવે છે. અતિત દુઃખ આપે છે, ભવિષ્ય ચિંતા ઉપજાવે છે જ્યારે વર્તમાન જ માણસને વ્યવહારુ બનાવે છે. એક સત્યને ભૂલવું નહીં કે સુખનો અતિરેક અંતે દુઃખમાં જ પરિણમે છે. દૂધપાકનો એક પ્યાલો પીએ તો સુખ મળે. બે-ત્રણ પીએ તો પણ સુખ મળે, પણ જો દસ-બાર પ્યાલા પીએ તો કદાચ બીમાર પણ પડી જઈએ. જીવનનું પણ આવું જ છે. સુખની અનંતકામનામાંથી દુઃખનો જન્મ થાય છે.
    [9] ભૂલ :
    ભૂલના કારણે દુઃખ આવે છે. ભૂલના કારણે જે દુઃખ આવે છે, તે ભૂલ મટવાથી સમાપ્ત થઈ જાય છે. તમે વ્યપારી છો. હિસાબમાં ભૂલ થાય છે, તો તમે દુઃખી થઈ જાવ છો. આ દુઃખનું નિવારણ ફિલ્મ, સંગીત કે કથા નથી. ત્યારે ટીવી ચાલુ હશે તો પણ સુખ નહીં મળે. પણ મુનિમજી આવીને ભૂલ બતાવશે કે સુધારી દેશે, તો તરત તમે સુખી થઈ જશો. કહેશો-ટીવી ઓન કરો. હિસાબ બરાબર થઈ ગયો. તમે સુખી થઈ ગયા. આપણા જીવનના મોટા ભાગનાં દુઃખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુઃખો ટકાઉ નથી. ભૂલ સુધરી. દુઃખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું ફળ સત્ય બોલો તો દુઃખ ગયું. દુઃખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુઃખ ગયું. આ પાકું સૂત્ર છે. આ બધાં સૂત્રો નિંભાડામાંથી નીકળેલ પાકી ઈંટો છે. તેનાથી તો પ્રસાદ (ભવન) બની શકે છે.
    [10] ભય :
    તમે જાણો છો કે આ કરવા જેવું નથી, છતાં તમો કરો છો તેથી તમને દુઃખ થાય છે. શું બધા નથી જાણતા કે ખરાબ નજર કરવી બરાબર નથી ? છતાં બધા કરે છે. સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુઃખ ઉત્પન્ન કરે છે. અધર્મ દ્વારા જે ધન ઉપાર્જન કરો છો તો ધન ભય જ આપશે. તમારી દષ્ટિમાં તે સુખ હોઈ શકે, પણ ભય તો કરશે જ. ટ્રેનમાં જે ટિકિટ જોવા આવે છે, તે જો કોઈ પાસેથી વધારાના કે ખોટા પૈસા લેશે તો તે ભયભીત રહેશે. પણ કુલીને કોઈ ભય નહીં હોય. પૈસા વધારે લેવાવાળો અધર્મ કરે છે, તો સૂક્ષ્મ ભય તેના પાછળ હોવાનો જ. ચેન નહીં મળે. અધર્મના આશ્રયથી કરેલ ભોગ બે વસ્તુ આપશે : રોગ અને અપયશ. અધર્મની છાયામાં ધર્મ પણ કરશો, તો તે પણ વિનાશ જ કરશે. અધર્મના આશ્રયથી આવેલ ધન તમે પુણ્યમાં લગાવશો, છતાં હિસાબ પૂરો નહીં થાય. તે આપણામાં જડતા, વિકાર, અનિત્યના વગેરે ગરબડો પણ ઊભી કરશે. આપણે દષ્ટા નથી. જે દ્રષ્ટા બને છે તેમનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.

    Sunday, 27 October 2013

    દીપાવલી : પાંચ દિવસનું પર્વ

    આપણે ત્યાં શિવરાત્રિ, હોળી, મકરસંક્રાંતિ, જન્માષ્ટમી, રામનવમી એમ વિવિધ ઉત્સવ ઊજવાય છે, પરંતુ બધાં જ તહેવારોમાં સૌથી વધારે મહત્ત્વ દીપાવલીનું છે. દીપાવલીને પંચપર્વ પણ કહે છે, કારણ કે આ પર્વ ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એમ પાંચ દિવસ સુધી સતત મનાવવામાં આવે છે. આપણાં બધાં જ પર્વોની જેમ દીપાવલી પણ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સંદેશ આપે છે. આ પંચપર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પંચપર્વનું મહત્ત્વ તથા તેની સાથે જોડાયેલી કથાઓ વિશે જાણીએ
    દીપાવલી દીપોનો એટલે કે પ્રકાશનો તહેવાર છે. દીપાવલી એક એવું પર્વ છે જેને આપણે સૌથી મોટું પર્વ કહી શકીએ. દીપાવલી હિન્દુઓનું સૌથી મોટું પર્વ છે. દીપાવલી વાસ્તવમાં એક દિવસનું નહીં, પરંતુ પાંચ દિવસનું પર્વ છે. આસો સુદ તેરસ એટલે કે ધનતેરસથી લઈને કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજ સુધી દીપાવલી મનાવવામાં આવે છે. દીપાવલીમાં દીપ પ્રગટાવવાનું તથા લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ દરમિયાન લોકો ઘરની સાફ-સફાઈ કરે છે, ઘરના આંગણાને રંગોળીઓથી સજાવે છે, દરવાજે આસોપાલવનાં તોરણો બાંધે છે, નવાં કપડાં પહેરે છે, મીઠાઈ ખાય છે અને ફટાકડા ફોડીને આનંદ કરે છે. આમ, દીપાવલી હર્ષોલ્લાસ અને આનંદનું સૌથી લાંબું પર્વ છે.
    ધનતેરસ
    પંચપર્વ દીપાવલીની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજી, ધન્વંતરી અને યમરાજનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજી ધનનાં દેવી છે. તેઓ સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં અને ભગવાન વિષ્ણુને વર્યા હતાં. ધનતેરસના દિવસે ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ મેળવવા માટે રાત્રે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે ગરીબ ખેડૂતની કથા જોડાયેલી છે. લક્ષ્મીજીએ કહ્યું છે કે ધનતેરસના દિવસે મારું પૂજન કરવાથી હું તે ઘરમાં વાસ કરીશ. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે ધનતેરસે કોઈ નવી વસ્તુ ખરીદવામાં આવે તો તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ જ દિવસે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.
    લક્ષ્મીજીની જેમ દેવતાઓના વૈદ્ય ધન્વંતરી પણ સમુદ્રમંથન દરમિયાન હાથમાં અમૃતકળશ લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતી મનાવવામાં આવે છે. તેઓ હાથમાં વાસણ (કળશ) લઈને પ્રગટ થયા હોવાથી ધનતેરસના દિવસે નવાં વાસણ ખરીદવાની પરંપરા છે. વૈદ્ય, હકીમ અને બ્રાહ્મણો સહિત અનેક લોકો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન કરે છે, કારણ કે સારા સ્વાસ્થ્ય વગર ધન શું કામનું?
    ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજના પૂજનનું પણ વિધાન છે. તેની પાછળ અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે. આ પૂજા દિવસે નહીં, પરંતુ રાત્રે કરવામાં આવે છે. આ દિવસે યમરાજના નિમિત્ત દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. તેના માટે દક્ષિણ દિશામાં દીવો કરવામાં આવે છે જેને જમદીવો કહે છે. એવું કહેવાય છે કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું.
    કાળીચૌદશ
    દીપાવલીના એક દિવસ પહેલાં કાળીચૌદશ હોય છે. જેને રૂપ ચૌદશ કે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે ચારે બાજુ દીવાઓ પ્રગટાવવામાં આવે છે. માતાજીનાં બે રૂપ છે. તેમાંથી એક છે, સૌમ્ય અને બીજું છે રૌદ્ર. કાળીચૌદશના દિવસે મહાકાળીના રૌદ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે હનુમાન પૂજાનું પણ વિધાન છે. આ દિવસ તાંત્રિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
    આપણા અન્ય તહેવારોની માફક કાળીચૌદશ પણ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ ચૌદશ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. નરકાસુરના વધ બાદ તેણે બંધક બનાવેલી સોળ હજાર એક સો કન્યાઓને મુક્ત કરાવી હતી. નરકાસુરના અત્યાચારમાંથી મુક્તિ મળતાં સૌ નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. શ્રીકૃષ્ણના શરીરમાંથી નરકાસુરના લોહીની દુર્ગંધ આવતી હતી. તેને દૂર કરવા માટે તેમને સુગંધિત તેલથી માલિશ કરી સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારથી કાળીચૌદશના દિવસે શરીર પર તેલથી માલિશ કરીને સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.
    રૂપ ચતુર્દશી નામ પાછળ પણ એક કથા સંકળાયેલી છે. તે અનુસાર હિરણ્યગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ ભગવાનને પામવા માટે સમાધિ ધારણ કરી. આ દરમિયાન તેમના શરીરમાં કીડા પડી ગયા અને તેમનો દેખાવ કદરૂપો બની ગયો. નારદજીએ યોગીનું આ રૂપ જોઈને તેને ફરીથી સ્વરૂપવાન બનવા માટે આસો વદ ચૌદશનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી તે યોગી સ્વરૂપવાન બની ગયો. ત્યારથી કાળીચૌદશ રૂપચૌદશ તરીકે ઓળખાવા લાગી. સ્વરૂપવાન બનવાની કામના સાથે સ્ત્રીઓ આ દિવસે શૃંગાર કરે છે. કાળીચૌદશના દિવસે પણ અકાળ મૃત્યુ રોકવા અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે યમરાજનું પૂજન કરવામાં આવે છે.
    દીપાવલી
    દીપાવલીને દિવાળી પણ કહે છે. દીપાવલી શબ્દ દીપ તથા આવલીની સંધિથી બનેલો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે પંક્તિ. આમ, દીપાવલીનો અર્થ છે દીવાઓની પંક્તિ. તેથી જ દીપાવલીને દીપોત્સવ પણ કહે છે. ભારતમાં મનાવવામાં આવતા તહેવારોમાં દીપાવલીનું મહત્ત્વ વિશેષ છે. તેને દીપોત્સવ પણ કહે છે. તે સંદેશ આપે છે કે 'તમસો મા જ્યોતિર્ગમય' એટલે કે અંધારામાંથી પ્રકાશ તરફ જાઓ. આ જ ઉપનિષદોની આજ્ઞા છે. જેને દરેક ધર્મના લોકો માને છે. દીપાવલીની ઉજવણી પાછળ સૌથી મોટી માન્યતા એ છે કે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. પોતાના પ્રિય રાજા રામના આગમનથી અયોધ્યાવાસીઓ ઉલ્લાસમાં આવી ગયા અને શ્રીરામના સ્વાગત માટે નગરમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. આસો વદ અમાસની અંધારી રાત્રિ દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી ત્યારથી દિવાળી ઊજવવાની શરૂઆત થઈ.
    દીપાવલી વર્ષ (વિક્રમ સંવત)નો છેલ્લો દિવસ છે. વેપારીઓ પોતાની દુકાન કે કાર્યસ્થળની સાફ-સફાઈ કરીને શારદા (ચોપડા) પૂજન તથા લક્ષ્મીપૂજન કરે છે અને આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિથી સભર રહે તેવી કામના કરે છે. દિવાળીના દિવસે લોકો ગણેશ, સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરે છે અને ઘરને દીવાઓથી ઝગમગાટ કરી દે છે. નવાં કપડાં પહેરે છે, ઘરના આંગણામાં રંગોળી બનાવે છે તથા આતશબાજી કરે છે. આમ, ધૂમધામપૂર્વક દિવાળીની ઉજવણી થાય છે. મહાવીર સ્વામી દિવાળીના દિવસે જ નિર્વાણ પામ્યા હતા.ળનૂતન વર્ષ
    દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઊજવવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. નૂતન વર્ષની નવ પ્રભાતે સૂર્યનો પ્રકાશ દરેક મનમાં નવી આશાઓનો ઉજાસ પાથરે છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા વિચારો લઈને આવે છે. આ દિવસે લોકો ગયા વર્ષનાં મનદુઃખ, વેરભાવ, કડવાશ, ખારાશ એમ તમામ અવગુણોને ત્યજીને સૌને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન કે હેપ્પી ન્યૂ યર કહીને નવા વર્ષની શુભકામનાઓ આપે છે.
    નૂતન વર્ષના પ્રથમ દિવસે બધાં જ લોકો પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે. જ્યારે વડીલો તેમને બક્ષીસ આપે છે. આ દિવસે બધાં જ લોકો નવાં કપડાં પહેરે છે. આંગણાને સુંદર રંગોળીથી સજાવે છે. દરવાજે આસોપાલવનાં તોરણ સજાવે છે. લોકો સંબંધીઓ અને પડોશીઓના ઘરે જાય છે. મહેમાનોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે.
    નૂતન વર્ષનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગોવર્ધન પૂજા થાય છે. ગાયના છાણથી ગિરિરાજ ગોવર્ધનનાથનું સ્વરૂપ બનાવવામાં આવે છે. આ ગોવર્ધનનાથની પરિક્રમા અને પૂજન કરવામાં આવે છે. નૂતન વર્ષે દરેક મંદિરોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.
    ભાઈબીજ
    કારતક સુદ બીજનો દિવસ ભાઈબીજ કે યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ પરંપરા પાછળ એક ધાર્મિક કથા સંકળાયેલી છે. યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પીડાત્મક આર્તનાદ સાંભળીને યમુનાજીનું કોમળ હૃદય દ્રવી ઊઠતું. યમુનાજીને પોતાના ભાઈ યમરાજ ખૂબ જ વહાલા હતા, તેથી તેમને પોતાને ત્યાં ભોજન કરવાનું વારંવાર આમંત્રણ આપે, પરંતુ યમરાજ કામમગ્ન હોઈ જઈ શકતા નહીં. એક દિવસ અશ્રુભીની આંખે કારતક સુદ બીજના દિવસે જમવા પધારવા માટે યમુનાજીએ યમરાજને વિનંતી કરી. બહેનની આંખમાં આંસુ જોઈને યમરાજે જમવા પધારવાનું આમંત્રણ આપ્યું. યમરાજ પોતાની બહેનને ત્યાં પોતાનું વચન પૂરું કરવા પરિવાર સહિત પધાર્યા. ભોજન કર્યા પછી યમરાજે યમુનાજીને વસ્ત્રાલંકારો આપ્યાં અને હજુ પણ કંઈ માગવું હોય તો માગવા જણાવ્યું. ત્યારે યમુનાજીએ માગ્યું કે, "આપ કૃપા કરીને યમપુરીમાં પીડાઈ રહેલાં જીવોને મુક્ત કરો."
    યમરાજે કહ્યું, "બહેન, મારું કાર્ય જીવોને તેમનાં કર્મ પ્રમાણે દંડ આપવાનું છે, પરંતુ તેં મારી પાસે વચન માગ્યું છે, તેથી હું તને વચન આપું છું કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના જળમાં સ્નાન કરી તારા જળરૂપી અમૃતનું પાન કરશે તથા જે ભાઈ બહેનના ઘેર જઈને ભોજન કરી ભેટ આપશે તેને કદીયે યમ કે યમપુરીનો ભય નહીં રહે."

    કેટલીક લાચારી માણસે શીખી લીધેલી હોય છે!


    શીખી લીધેલી લાચારીમાં વ્યક્તિએ ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી લાચારી શીખી લીધી હોય અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે
    પ્રિયાંશ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. ગણિત વિષય એ એની સમજ બહારનો હોય, એવું એનું માનવું છે. ગણિતના વિષયનો વર્ગમાં પિરિયડ આવે અને તેના જાણે મોતિયા મરી જાય! ગણિતના નિયમો, સિદ્ધાંતો તેની સમજમાં જ ન આવે. આથી, સ્વાભાવિક રીતે જ ગણિતના વિષયનું પરિણામ ખૂબ ઓછું આવ્યું! તેનાં મમ્મી-પપ્પા તો આકુળ-વ્યાકુળ થઈ ગયાં અને તેનું ગણિતનું ટયુશન શરૂ કરાવડાવી દીધું. તેમ છતાં, પ્રિયાંશને હજુ બરાબર ગતાગમ નહોતી પડતી. ત્યારબાદ ફરી ગણિતનું એ જ પરિણામ અને પ્રિયાંશની હાલત જેમની તેમ! તેમાં કંઈ જ સુધારો ન હતો. આમ થવાથી પ્રિયાંશના આત્મવિશ્વાસ ઉપર ઊંડી અને વિપરીત અસર થઈ. તેના આત્મવિશ્વાસની કમી માત્ર ગણિતના વિષય પૂરતી સીમિત ન રહેતાં બીજા વિષયો ઉપર પણ પડવા માંડી. ભણવામાં તેનો રસ ઊડી ગયો અને તેનું પરિણામ વધારે ને વધારે નબળું થતું ગયું. તે હવે ભણવા જ નહોતો માગતો, ચોપડીઓ ખોલવાની તો વાત જ દૂર રહી, જાણે કે તેણે મનથી પોતાની લાચારી સ્વીકારી લીધી હતી.
    તન્વીની વાત આનાથી કંઈક અલગ હતી. તેણીએ એમબીએ સુધી અભ્યાસ કર્યો હતો અને તેનાં લગ્ન વિશેની ચિંતા તેનાં માતા-પિતાને સતાવતી હતી. તન્વી આ વિષય પર વાત કરવા પણ તૈયાર નહોતી થતી. તેણીએ લગ્ન કરવા માટે ના પાડી દીધી. તેનાં મમ્મી-પપ્પા ચિંતાતુર થઈ ગયાં અને તેમણે એક વાર તન્વીને પાસે બેસાડી પ્રેમથી આ માટેનું કારણ પૂછયું તો તે રડી પડી. વાત એમ હતી કે કોલેજના અભ્યાસ દરમિયાન તન્વી એક છોકરાના પ્રેમમાં હતી. લગભગ છ-આઠ મહિનાના પ્રેમસંબંધ બાદ તે સંબંધ તૂટી ગયો. ત્યારબાદ તેના એક સહકર્મચારી સાથે તેણીને પ્રેમસંબંધ થયો. તે પણ ત્રણેક મહિનાના ટૂંકા સમયમાં જ તૂટી ગયો. આથી, હવે જાણે કે તેણીએ મનથી સ્વીકારી લીધું કે તે લગ્નસંબંધને યોગ્ય નથી. આ મામલામાં-જીવનમાં તેણીએ પોતાની લાચારી સ્વીકારી લીધી હતી અને હવે તે કોઈ પણ સંબંધમાં જોડાવા તૈયાર નહોતી.
    આ બંને કિસ્સામાં જણાય છે કે બે-ત્રણ વખતની નિષ્ફળતાને કારણે વ્યક્તિ પછીથી પોતાની જાતને પણ નિષ્ફળ માનવા લાગે છે અને તે પોતાની લાચારી સ્વીકારી લે છે, જેને 'શીખી લીધેલી લાચારી' (Learned Helplessness) કહેવાય છે. આ એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ કે પ્રાણીએ લાચારી શીખી લીધી હોય. પોતાના ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે અને અણગમતા થઈ પડેલા સંજોગો, પરિસ્થિતિ, ઘટનાની અવગણના કરવા માંડે છે. આ વિશેની આકસ્મિક શોધ માર્ટિન સેલિગ્મેન અને સ્ટીવન એફ. મેયર નામના બે સાયકોલોજિસ્ટે, પેન્સિલવિનિયાની યુનિ.માં ૧૯૬૭ દરમિયાન કરી હતી.
    તેઓ પાવલોના કન્ડિશનિંગના પ્રયોગો ઉપર વધુ રિસર્ચ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે નોંધ્યું કે, કૂતરાને વારંવાર એક જ જગ્યા પર હળવા કરંટના ઝટકા આપવામાં આવે કે જેમાંથી તે કંઈ પણ કરે તોપણ બચી ન શકે. ત્યારબાદ આ જ કૂતરાને તેઓ બીજા એક રૂમમાં લઈ જતાં અને ત્યાં એવી વ્યવસ્થા હતી કે તે જો નાની એવી દીવાલ કૂદી જાય તો તે આ હળવા કરંટથી બચી શકે, પરંતુ તેના પહેલાંના અનુભવના આધારે તેણે શીખી લીધું હતું કે તે કંઈ પણ કરે તોપણ આ કરંટથી બચી શકે એમ નથી, આથી તે તેની સામે રહેલી તકને પણ બેધ્યાન કરી દે છે અને કૂદતો નથી. તે ત્યાં ને ત્યાં જ ઊભો રહીને કરંટ ખાયા કરે છે. આ વર્તનને તેમણે 'શીખી લીધેલી લાચારી -Learned Helplessness' તરીકે ઓળખાવી હતી. ત્યારબાદ આ પ્રયોગ વારંવાર અલગ-અલગ જગ્યાઓ પર, અલગ-અલગ લોકો પર કરવામાં આવ્યો, જેમાં પણ આ પ્રકારનાં પરિણામો જ મળ્યાં.
    શું આ શીખી લીધેલી લાચારીને આપણી રોજબરોજની જિંદગી સાથે કંઈક સંબંધ છે? ઉપરના જ બે કિસ્સાઓ વિશે વિચારો! સતત મળતી નિષ્ફળતા, નોકરીમાં, અભ્યાસમાં, લગ્ન કે પ્રેમસંબંધોમાં, પોતાના વેપારમાં વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને પોતાનો આ દરેક ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી એમ ધીમે ધીમે માનવા લાગે છે. નવો વેપાર, નવો સંબંધ કે નવા અભ્યાસ માટે તક મળતી હોય તોપણ તેને અવગણે છે અને તે કરતા પહેલાં જ પોતાની હાર સ્વીકારી લે છે.
    વ્યક્તિ પોતાના પરથી આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તેને પોતાના દરેક પ્રયત્નો વ્યર્થ લાગે છે અને પોતાની જાતને નિષ્ફળતા સામે ઘૂંટણિયે પાડી દે છે. આ 'શીખી લીધેલી લાચારીને' ઉદાસી રોગ સાથે સીધો સંબંધ હોવાનું અનેક સર્વેક્ષણોમાં જાણવામાં આવેલ છે અને ચિંતા-સ્ટ્રેસ સાથે પણ! એવું સાબિત થયેલ છે કે લાંબા ગાળાનો સ્ટ્રેસ-ચિંતા છેવટે આ પ્રકારની લાચારીમાં પરિણમે છે અને આ લાચારી ઘણી બધી ગંભીર માનસિક તથા શારીરિક બીમારીને નોતરી શકે છે.
    આવી જ લાચારી ધૂમ્રપાન કરતા કે રોજેરોજ દારૂ પીતા કે નશીલી દવાનું સેવન કરતાંને પણ થતી હશે! ઘણી કોશિશો કરવા છતાં તેઓ ઘણી વાર તેમાંથી છુટકારો નથી મેળવી શકતા. આથી જો કોઈક વાર તેમને એમ થાય કે આ દવા કરવાથી છૂટી જશે પરંતુ તેમની શીખી લીધેલી લાચારી તેમને આ માટેની મદદ લેતાં અટકાવે છે અને પરિણામે તે તેનો વધુ ને વધુ બંધાણી થતો જાય છે.
    શું આમ થતું અટકાવવાનો કોઈ રસ્તો ખરો! વ્યક્તિ આમાંથી બહાર આવી શકે ખરી! પોતાની શીખી લીધેલી લાચારીને ભૂલીને - overcome કરીને આગળ વધી શકે ખરી! તો તેનો જવાબ છે હા! આવા સમયે તમારા મિત્રો, સગાં-સંબંધીઓ, હિતેચ્છુઓની સલાહ લો. તમારા જીવનની હકારાત્મક બાબતો, હકારાત્મક અનુભવો, ખુશી-આનંદની પળોનો વિચાર કરો. મેડિટેશન-યોગ તમને લાભદાયી થઈ શકે છે. વિચારો કે ભલે હમણાં આ લાચારીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ તેમાંથી બહાર નીકળવાની કોશિશો બંધ ન કરો. દરેક પળે નવી તકો જિંદગીમાં આવતી જ હોય છે, આથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી, તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નોમાં લાગી જાઓ. નાસીપાસ થયા વગર સતત પ્રયત્નો કરતા જ રહો. એટલે જ કહેવાયું છેને, 'કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી!'
    સતત પરિશ્રમ કરતા રહો. ત્યારબાદ પણ જો ન બહાર આવી શકો તો મનોચિકિત્સક પાસે જતાં પણ અચકાશો નહીં! આ માટેની દવાઓ ઉપરાંત CBT - સાઇકોથેરાપીની મદદથી પણ તમે આ શીખી લીધેલી લાચારીને ભૂલીને આગળ વધી શકો છો!
    અને હા, છેલ્લી વાત, સતત સફળતા પામતા લોકો 'શીખી લીધેલા વિશ્વાસ'ને આધારે જ આગળ વધતા હોય છે. માણસ ઇચ્છે તો 'કેળવેલી લાચારી'માંથી 'કેળવેલા વિશ્વાસ' તરફ અચૂક જઈ શકે છે.