Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Thursday 25 July 2013

    મન જીત્યું, તેણે જગત જીત્યું

    આમ તો માણસ માત્ર મુઠી જેવડું પેટ ભરવાની વેઠમાં જ જીવનભર ઝઝૂમતો રહે છે. પણ સારી રીતે જીવવા માટે રોટી ઉપરાંત કપડાં, મકાન, ધન, ધંધો પણ એટલાં જ જરૂરી છે. આગળ વિચારીએ તો તંદુરસ્ત શરીર (નિરોગીપણું) આર્થિક સદ્ધરતા અને સારાં સ્વજનો પણ એટલાં જ અનિવાર્ય છે.

    કદાચ આમાંથી અમુક આપણી સાથે ના પણ હોય તો તે મેળવાનો સતત અજંપો આપણને દોડતો રાખે છે. મનની શાંતિ- સમતુલા ખોરવાઈ જાય તે હદે આપણે તેની પાછળ દોડીએ છીએ પણ આ બધું ઐશ્વર્ય હોવા છતાં મોટા ભાગના લોકો અશાંત જણાય છે તો એનો અર્થ એ થયો કે સાચું સુખ અને શાંતિ વસ્તુઓ થકી નથી મળી શક્તાં. લોકો શાંતિની ખોજમાં હિમાલય સુધી દોડી જાય છે પણ જે પોતાના જ હાથમાં છે તેવા મન-હૃદયમાં પહોંચવાનું સરનામું ભૂલી જાય છે. જો મન અને હૈયે શાંતિ સંતોષ ના હોય તો બીજે ક્યાંય તે શોધવું વ્યર્થ છે. અને બધું હોય પણ મન બેચેન હોય તો એ દરેકનું મૂલ્ય ઘટી જાય છે.

    માનવ સ્વભાવનું એક વિચિત્ર પાસું એ પણ છે કે તે તેના જીવનમાં જે કાંઈ અવળું, નાગમતું બને કે દોષનો ટોપલો જે તે સંજોગ કે વ્યક્તિ પર ઢોળી દે છે. પણ બની શકે કે જીવનમાં આવતા દુઃખો થકી અશાંતિનું કારણ પોતે જ હોય. આપણે એ સમજવા મથીએ કે કઈ બાબતોને અનુસરવાથી મનની ખોવાયેલી શાંતિ પાછી મેળવી શકીએ કે પછી વધુ ખોવાતી અટકાવી શકીએ.

    આપણી સતત ચિંતા કરવાની ટેવ પણ મનની શાંતિ ડહોળી નાખે છે. નાવડી પાણીમાં જાય તો વાંધો નથી આવતો પણ પાણી જો નાવડીમાં જાય તો સમસ્યા ઊભી થાય છે. એમ નાનામોટા કારણોસર ચિંતા થવી સ્વાભાવિક છે પણ જગત આખાની ચિંતાનો ચબુતરો માથે લઈને ફરીએ તો સહેવાનું આપણે જ આવે.

    સતત ચિંતા કરવાનું વલણ શક્તિઓને નબળી પાડી દે છે. મન પર આપણી ને લોકોની ચિંતાના જાળાં બાઝેલાં હોય તો આગળનું સાફ જોઈ શકાતું નથી. સાચો નિર્ણય લઈ શકાતો નથી. જે થતું રહે છે તે નસીબ- કર્મ અને સંજોગોને અનુલક્ષીને થવાનું જ છે પછી ચિંતાની ચિતા પર શા માટે ચઢતા રહેવાનું ! બીજું સ્ટેપ કહે છે કે અપેક્ષાઓ મનદુઃખ ઊભું કરનાર મહત્ત્વનું પરિબળ છે. આથી અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિચારીને લિમિટ સમજીને જ રાખવી. આ બેઉ ક્યારેય સંપૂર્ણ રીતે પૂરી થાય તેવું બનતું નથી. કેમ કે આ બેઉમાં આપણે ક્યારેય હદ સ્વીકારતાં નથી. વળી આ બેઉની સાથોસાથ લોભ, મોહ અને આર્થિક ગણતરીઓ પણ આપોઆપ આવવા લાગે છે અને તે ના સંતોષાય તો એમાંથી મનદુઃખ અને સંતાપ ઊભા થાય છે. એ મનની શાંતિ હણી લઈને ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે. એટલે અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ એટલી જ રાખવી જેટલી આપણી ક્ષમતા હોય ને પૂરી થવાની હોય તેવી આશા હોય.

    આનાથી બચવા ત્રીજું સ્ટેપ છે તો છોડવાની કળા શીખવાનું. વસ્તુઓનો અને સંબંધોનો બિનજરૂરી મોહ છોડવાનો છે. અહીં કશુંય કાયમી નથી હોતું. ક્યારે શેનો વિયોગ થશે તે નક્કી નથી હોતું. મોહ અને આસક્તિ અંતે પીડાદાયક નીવડે છે. છીનવાઈ જવાનો ડર સતત અજંપો આપે છે.

    આ સાથે જરૂરતો ઘટાડવાની છે. જેથી સંગ્રહવૃત્તિ જન્મે જ નહીં. આપણા શાસ્ત્રોમાં ત્યાગનો મહિમા મોટો ગણાવાયો છે. થોડું મન મોટું રાખી વિશાળ દિલ રાખી જતું કરવાની ભાવના હશે તો છોડવાની વૃત્તિ વધુ બળવત્તર બનશે. લીધા કરતાં દીધાનો આનંદ ઓર જ હોય છે.

    ઈર્ષા, હરીફાઈ, અહં વગેરે પણ મનની શાંતિ હણી લેતાં શક્તિશાળી ત્રાસવાદીઓ સમાન છે. સ્પર્ધાના આ યુગમાં સ્વાભાવિક પણ બીજાઓ કરતાં આગળ નીકળી જવાનું અને જરા હટકે સાબિત થવાનું વલણ વધુ જોવાય છે. કંઈક એવું કરી બતાવીએ જેથી અન્યો કરતાં ચડિયાતા સાબિત થવાય, એવી એક માનસિક્તા સૌને હોય છે. અને એમાંથી જ મનદુઃખો, ઝઘડા, મતભેદ વગેરે સર્જાય છે. ઘર, પરિવાર કે નોકરી- ધંધામાં સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાતાં તે સંબંધો પણ બગાડે છે. સાથે મનનો ઉચાટ વધારી દે છે. તમે જેવા છો, જે કાંઈ ખૂબી ખામીઓ છે તેનો સ્વીકાર કરીને ચાલો છો તો સ્પર્ધા- ઈર્ષાનું તત્વ આપોઆપ નીકળી જાય છે. મન જીતાય તો ઘણું બધું જીતાઈ જતું હોય છે.

    ભૂલી જાવ અને માફ કરી દો, એ સૂત્ર મનની શાંતિનો સચોટ ઉપાય ગણાય છે. આનાથી ભુતકાળમાં બનેલી કડવી, દુઃખદ ઘટનાઓનો ભાર ખંખેરવાની તક મળે છે. માફી આપી દેવાથી હૈયાનો ભાર ઉતારવાનો મોકો મળે છે. બીજાને સજા આપવાની સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન પોતાનું જ થતું હોય છે. અને અમુક કડવી વાસ્તવિક્તાઓને સ્વીકારી વર્તમાનમાં જીવવાનો પ્રયાસ મન હળવું રાખે છે.

    આપમેળે બનતી કે જાણ્યે અજાણ્યે થતી અમુક ઘટનાઓને આપણે ટાળી નથી શક્તા અને હૃદયના કોઈક ખૂણે છુપાયેલી વેદના- પીડાઓ આંસુરૂપે વહેવા તત્પર બને છે. એટલે જે કાંઈ બને છે એમાં સારું હોય કે નરસું પણ ઈશ્વરનો કોઈક તો સંકેત કે કુદરતનું પ્રયોજન હશે જ એવું સ્વીકારીને ચાલવાથી વેદના વધુ વસમી નથી બનતી. મન અને હૈયાને આવા બધા જ ભારથી મુક્ત કરતાં શીખવાનું છે. તો જ જીવનમાં બનતી નાની મોટી સુખદ ઘટનાઓ, ખુશીઓને મન ભરીને માણી શકીશું. ઓશો- રજનીશજી કહે છે તેમ દુઃખ સંતાપ ભુલવો અને આનંદનું સર્જન કરવું એ એક કળા છે.

    મોટા ભાગના લોકો આવી પડેલા સંજોગોને મારી મચેડીને પોતાને અનુકૂળ બનાવવામાં મચી પડે છે. અને સંપર્કમાં આવતાં સંબંધોને પણ સહજતાથી સ્વીકારી લેવાના બદલે તેમનો સ્વભાવ પોતાને અનુકૂળ કરવાની મથામણો કરે છે. દરેકમાં એવું કંઈક તો હોય છે જ જે કદી બદલાતું નથી. તો આ હકીકતનો સ્વીકાર કેમ ના કરી લેવો. આપણે આપણો સ્વભાવ કે વર્તન કોઈની મરજી પ્રમાણે બદલવા તૈયાર નથી જ હોતાને ! તો બીજા આપણા માટે બદલાઈ જાય તેવી અપેક્ષા નિરાશા જ આપશે. જે છે તેને સહજભાવે વિશાળ હૃદયે સ્વીકારીને ચાલવું.

    બને તો અથડામણો ટાળવી. કોઈની સાથે ઘર્ષણમાં ઉતરવું અને વાદ-વિવાદથી દૂર જ રહેવું. આ ત્રણેય મનની શાંતિના દુશ્મનો છે. ક્યારે ક્યાંથી વાર કરશે તે કહી ના શકાય. ઘણા લોકો અડવા- કડવા અને જડ સ્વભાવના હોય છે. પરપીડનવૃત્તિ અને તોછડાઈ તેમના સ્વભાવમાં હોય છે. તેઓ જે કાંઈ કરે છે કે બોલે છે તેમાં તેઓ સહજપણે મક્કમ હોય છે. એટલે એવા વ્યક્તિ જોડે નાહકના વાદ-વિવાદમાં પડવું એટલે દીવાલે માથું ભટકાડવું. તેમની માન્યતા તમે બદલી શકવાના તો નથી જ અને તમારી દલીલથી તેમને કશો ફરક પણ પડવાનો નથી પણ એમાં તમે હર્ટ જરૂર થશો. આવા લોકોથી દૂર રહેવું.

    ઉધાર લેવું કે દેવું નહીં. આ અંતે લાભના બદલે ખોટનો સોદો સાબિત થાય છે. આપેલા વાયદા પ્રમાણે પરત વાળી ના શકાય તો સંબંધ બગડે ને મનમાં મંઝવણો ઊભી થાય. કહેવાય નહીં ને રહેવાય પણ નહીં. ચાદર જેટલાં જ પગ લંબાવવાની ટેવ આ વધારાની સમસ્યાથી દૂર રાખશે !

    ઘણા લોકોને પારકી પંચાત ટીકાત્મક વલણ અને નિંદારસથી આનંદ આવતો હોય છે. ફલાણાએ આવું કર્યું કે ના કર્યું વગેરે સારું છે કે વખોડવા લાયક તે આપણે નક્કી કરનારા કોણ ! આપણી ટીકા કે નિંદા જે તે વ્યક્તિનો ઈગો તોડે, તેને હર્ટ કરશે તો તેને ગુસ્સો આવશે. પરિણામે કાં તો તે તમારું અપમાન કરશે અથવા તમારા જ નબળા પાસાનો જાહેરમાં ધજાગરો કરવા મથશે. અર્થાત્ તમારી નિંદા કરશે.

    કોઈને જે કરવું હોય તે તેમનું જીવન છે અને તેમની મરજી છે. આપણને એનાથી કોઈ નુકસાન ના થતું હોય તો શા માટે તેમના વર્તનને વખોડવાનું ! આપણે ત્યાં કહેનારા કહે છે કે મગજ પર બરફ મૂકી દો. દિમાગ ઠુંડુ રાખો. કોઈ પણ વિચલિતકરી દેતી સ્થિતિમાં પણ મન પરનો કાબુ ના ગુમાવો, વગેરે તે યોગ્ય જ છે. સ્થિતિ સમજ્યા વગર ગુસ્સો કરીએ અસંયમ દાખવીએ તેનાથી બનતી વાત તૂટી જાય છે. કોઈ પણ વસ્તુ કરતાં મનની શાંતિને વધુ મહત્ત્વ આપવું.

    મનોચિકિત્સકો અને યોગગુરુઓ એક મહત્ત્વના પાસા પર ભાર મૂકતા હોય છે કે મન અશાંત રહેતું હોય તો પહેલાં જીવનમાં અને મન- સ્વભાવમાંથી નેગેટિવિટીને દૂર કરો. પોઝિટીવ થિંકર બનો. જે નથી જ થવાનું કે મળવાનું તેના વ્યર્થ વલખાં મૂકી દો અને જે તમારા માટે જ સર્જાયેલું છે તેનો લાભ અને આનંદ ઉઠાવતાં શીખો.

    શરૂમાં કહ્યું તેમ શાંતિની શોધમાં બહુ લાંબો પથ નથી કાપવાનો. પણ જે ભીતર બેઠું છે તે મનના જ દ્વાર ખખડાવવાના છે. જીવન છે તો સુખ-દુઃખ તો ચાલ્યાં કરે તેવી સમતા કેળવવાથી આવતી વિપત્તિઓ થકવી નહીં નાખે. કોઈને સુધારતાં પહેલાં જાતને જ સુધારવાની જરૂર હોય છે.

    જિંદગી અનિશ્ચિતતાઓનો એવો દરિયો છે કે ક્યારે, કોણ શું કરશે ને ક્યા સંજોગો ક્યાં લાવી મૂકશે તે કહી શકાતું નથી. એટલે ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ બાહ્ય જગતમાં ના જડે ત્યારે ભીતરના જગતમાં પ્રવેશ કરવો પડે છે, જે કાંઈ અશાંતિ, દુઃખ, પ્રશ્નોની પીડા તમે ભોગવો છો તેના મૂળ સુધી જવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો પડે છે અને આ બહારની કોઈ વ્યક્તિની મદદથી પાર નહીં પડે. પણ આત્મમંથન અને સ્વચિંતન કરી પીડાનું, મનની અશાંતિનું કેન્દ્રબિંદુ શોધી તેનો ઈલાજ કરવાનો રહે છે. આ માટે જરૂર પડે તો શાંતિ શિબિર, ધ્યાન- પ્રાણાયામ વગેરેનો આધાર ભલે લેવાય પણ મુખ્ય હેતુ કોઈ પણ ભોગે શાંતિની સાધના કરવાનો હોવો ઘટે.

    No comments:

    Post a Comment