એક વખત કાવિઠા ગામની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્રજી પાસે બોધ સાંભળવા આવ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્રજીએ તેઓને પૂછ્યું, ”છોકરાઓ, એક પ્રશ્ન પૂછું તેનો જવાબ આપશો?”
છોકરાએ કહ્યું, ”હા જી”
શ્રીમદ્જી બોલ્યા, ”તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય; અને તમને માર્ગે જતાં કોઇનો ધક્કો વાગે તો તે વખતે તમે કયા હાથના લોટાને જાળવશો?” ગિરધર નામના છોકરાએ જવાબ આપ્યો, ”ઘીનો લોટો સાચવીશું.” શ્રીમદ્જીએ પૂછ્યું, ”કેમ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે ને?” છોકરો કહે, ”છાશ ઢળી જાય તો ઘણાયે ફેરા કોઇ ભરી આપે; પણ ઘીનો લોટો કોઇ ભરી આપે નહીં.”
આ વાતનો સાર સમજાવતા શ્રીમદ્ રાજચંદ્રજી બોલ્યા ”છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે, એવી અવળી સમસ્યાવાળો આ જીવ છે.
પણ જો આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે; અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે. કારણ કે દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૃપે દેહ તો મફતનો જ મળવાનો છે.”
No comments:
Post a Comment